26
July

સમઢીયાળા બન્યું ચળવળનું કેન્દ્ર બિંદુ, રાજ્યભરના દલિતો પહોંચે છે ગાડીઓ ભરી

Published in Rajkot

‘નવી ટ્રેન શરૂ થઇ છે, સાંત્વના એક્સપ્રેસ. દિલ્હીથી મોટા સમઢીયાળા નોન સ્ટોપ...’ આવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર થઇ રહી છે. મજાક અને કટાક્ષ છે તેમાં. પણ, ટ્રેનને ભૂલી જઇએ તો પણ ગુજરાત-સૌરાષ્ટ્રના તમામ રસ્તા જાણે કે મોટા સમઢીયાળા તરફ દોડી રહ્યા છે. ગામે-ગામથી બસો, ટ્રકો અને ટેમ્પા ભરીભરીને દલિતો ત્યાં પહોંચી રહ્યા છે. દરેક ચહેરા પર આક્રોશ છે, આંખોમાં વેદના છે અને દરેક હૈયામાં આગ છે.  ગામ હાલ દલિત ચળવળનું એપિ સેન્ટર બન્યું છે.

 

આઝાદીના 70 વર્ષ પછી પણ હડધૂત, અપમાનીત થતાં વર્ગના લોકોને સંગઠિત કરવામાં તાજેતરનો દલિત અત્યાચારકાંડ નિમિત્ત બન્યો છે. દલિતોએ કહી દીધું છે, “પશુઓના ગંધાતાં મૃતદેહો પરથી ચામડા ઉતારીને ગુજરાન ચલાવવું અમારી મજબૂરી હતી-છે. પણ જો જીવતા માણસ કરતાં મરેલા પશુની કિંમત વધારે હોય તો અમારે કામ નથી કરવું. હવે બહુ થયું, હવે સહન નથી થતું..” એવું લાગે છે જાણે મોટાસમઢીયાળા દલિત ચળવળનું કેન્દ્ર બિંદુ બની ગયું છે.