28
July

સુરેન્દ્ર કાકા અને કોટડિયા વચ્ચેની વાતચીત થઇ વાયરલ? ફાઈલો ક્લિઅર કરાવતા 'બેન' કોણ છે?

Written by 
Published in Politics

ધારીના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા નલીન કોટડિયા પર વસ્ત્રાપુરના મધુભાઈ પટેલે રૂ.2 કરોડની ખંડણી માંગવાની અને માર મારવાની ફરિયાદ દાખલ કરી છે. ત્યારે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. જે જમીનના મામલે આ આખી ઘટના બની છે તે જમીનને NA કરાવવાનું કામ ખોડલધામ ટ્રસ્ટની ભલામણથી 'બેને' કરાવી આપ્યું હોવાનું ભાજપના ખજાનચી સુરેન્દ્રકાકાએ નલીન કોટડિયાને જણાવ્યું છે. સુરેન્દ્ર પટેલ અને નલીન કોટડિયા વચ્ચેની તેમજ નલીન કોટડિયા અને કથિત બિલ્ડર વસાણી વચ્ચે ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે. આ ઘટના બાદ નલીન કોટડીયાએ કથિત બિલ્ડર વસાણી સાથે વાતચીત કરી હતી. તેમાં વસાણી કોટડિયાને કહી રહ્યાં છે, 'તમે ખોટું કામ બગાડો છો, તમે જરાય ચિંતા ના કરશો. તમે બિલકુલ મૌન રહેશો તો કામ થઈ જશે. સંબંધની રીતે અમે કહીએ એમ કરવાનું છે. આપણે આ મુદ્દે રૂબરૂમાં ચર્ચા કરીશું.'

બીજીબાજુ સુરેન્દ્ર પટેલની નલીન કોટડિયા સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભાજપના ખજાનચી અને ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ પણ વિવાદોમાં ઘેરાયા છે. સુરેન્દ્ર પટેલે એક ઇન્ટરવ્યુમાં કબૂલ્યું છે કે વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં અવાજ મારો જ છે, પરંતુ આ આખી વાતમાં ક્યાંય પણ મારું ઇન્વોલ્વમેન્ટ નથી. કોટડિયા અને સુરેન્દ્ર પટેલની વાતચીતનો ઓડિયો વાયરલ થતાંની સાથે જ રાજકીય ખળભળાટ મચી ગયો છે. ખેતીની જમીન NA કરાવવાના મુદ્દે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. લક્ષ્મીપુરાની જમીન મુદ્દે સુરેન્દ્ર પટેલ અને નલીન કોટડિયા વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેમાં 'બેન'નો ઉલ્લેખ પણ કરાયો છે.

કોટડિયા અને સુરેન્દ્ર કાકા વચ્ચે થયેલી વાતચીતનુ રેકોર્ડિંગ શબ્દશ:
સુરેન્દ્રકાકા: હેલ્લો,
નલીન કોટડિયા: હેલ્લો
સુરેન્દ્રકાકા: હાજી
નલીન કોટડિયા: સુરેન્દ્રકાકા બોલે છે?
સુરેન્દ્રકાકા: હાજી બોલું છું.
નલીન કોટડિયા:નમસ્તે, નલીનભાઈ કોટડિયા, બોલું છું.
સુરેન્દ્રકાકા: બોલો
નલીન કોટડિયા: કેમ છો? મજામાં?
સુરેન્દ્રકાકા: બસ મજામાં.
નલીન કોટડિયા:હવે હું 2 દિવસ પહેલા હરેશભાઈને મળ્યો હતો. તે મારા મિત્રના જમાઈ થાય છે. એમની લક્ષ્મીપુરા વાળી જગ્યા માટે મેં મારા લેટરપેડ પર જ બેનને ભલામણ કરી હતી. ત્યાર પછી પેપરમાં મારું નામ આવ્યું કે કોટડિયાએ આ ક્લીયર કરાવ્યું છે. ભાઈ વસવાણીને હું મળ્યો ત્યારે તેમણે તમારું નામ આપ્યું કે ભાઈ તમારે લીધે આ નથી થયું પણ સુરેન્દ્રકાકાએ આ બધું કરાવ્યું છે. એટલે હકીકત શું છે એ કહો. કારણકે મારે તો પત્રકાર પરિષદ બોલાવીને મારે તો આ બધું કહેવું પડે. કારણકે મેં તો કંઈ કરાવ્યું નથી. મેં તો એક રૂપિયો લીધો નથી..... હલ્લો...
સુરેન્દ્રકાકા: આ બેનના લેવલથી ક્લીયર થયું છે.
નલીન કોટડિયા: બરોબર, હું તો એમાં ક્યાંય છું નહીં, તમે કરાવ્યું હોય તો હું પત્રકાર પરિષદમાં કહું. મને તો ભાઈ હરેશે જ ચોખ્ખું કીધું, મારી પાસે એનું બધું રેકોર્ડીંગ છે  કે ભાઈ આ રીતે સુરેન્દ્રકાકાએ કરાવ્યું છે.
સુરેન્દ્રકાકા: નહીં, નહીં, બેનના થ્રુ છે. ખોડલધામ વાળાએ કરાવ્યું છે.
નલીન કોટડિયા: હેં
સુ. કાકા: હા, ખોડલધામ વાળાએ જ કરાવ્યું છે.
ન.કો.: હવે આ મને તમારું નામ દેતા હતા. મેં કીધું કે કઈ રીતે છે હું કાકાને પૂછી લઉં.
સુ. કાકા: ના, ના, હું તમને કહું છું કે પત્રકારોને કંઈ જવાબ આપવાની જરૂર નહીં. યાર તમે મૂકો ને.
ન.કો.: કાકા આપવો જ પડેને, મે ક્યાં એક રૂપિયો લીધો નથી, મને એણે આપ્યો નથી.
સુ. કાકા: એલા ભાઈ રુપિયો મે ય ક્યાં લીધો છે, તમે વાત કરો છો તે...
ન.કો.: એમ નહીં કાકા, હું નથી કહેતો તો કે તમે લીધો છે એવું..
સુ. કાકા: (હસે છે)
ન. કો.: પણ, મારી ઉપર જે આક્ષેપ થયો કે ભાઈ નલીનભાઈ કોટડિયાએ આવો ઝોન આખો ફેરફાર કરી અને એને અનામત આંદોલનની આવી ભેટ આપી છે. એટલે હું અનામત આંદોલન લડું છું તો મને આવી કોઈ ભેટ મળી નથી. મારે તો કેવું પડેને કાકા...
સુ.કાકા:  (કશુંક અસ્પષ્ટ ગણગણે છે)
ન. કો.:  અને બેન સાથે મારે વાત થઈ ત્યારે ચાર કરોડ રૂપિયા પાર્ટીને આપવાના એવું હરેશે મને પોતાને કીધું છે. પાર્ટીને ચાર કરોડ આપવાના. મારા તો એ જમાઈ થાતા એટલે મારે તો એ કાંઈ લેવાના હતા નહીં.
સુ. કાકા: સારું, તો વધું તો ભેગા થઈએ ત્યારે રૂબરૂં ચર્ચા કરીશું.
ન.કો.:  ભલે ભલે કાકા, વાંધો નહીં.
સુ. કાકા: ફોન પર નહીં.
ન. કો.:  હા ભલે કાકા.

Read 312 times Last modified on Thursday, 28 July 2016 08:51
Rate this item
(0 votes)

Media

sandesh

Leave a comment

Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.