શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે વસ્ત્રાલ મહાદેવ નગર પાસે અચાનક જ મેટ્રો રેલ રૂટના બ્રીજનું બીમ નમી પડતાં દોડધામ મચી ગઇ હતી. અચાનક જ બીમ રોડ સાઇડે નમી પડ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઇને જાનહાનિ થઇ નથી. 10773 કરોડના ખર્ચે આકાર લઇ રહેલાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં આવું થતાં કામગીરી સામે શંકાઓ સેવાઇ રહી છે. જોકે, થોડા સમય પહેલાં CMની અધ્યક્ષતામાં મળેલી મેટ્રો રેલ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં આનંદીબેન પટેલે કામગીરી સંતોષકારક રીતે આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું.
મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ માર્ચ 2018 સુધીમાં પૂર્ણ થશે. મેટ્રોના ફેઝ-1માં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો ઇસ્ટ -વેસ્ટ કોરિડોર અને એપીએમસી વાસણાથી મોટેરા ગામ સુધી નોર્થ સાઉથ કોરિડોરના 39 કિલોમીટરના રૂટનો સમાવેશ થાય છે. હાલમાં ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના 6 કિમીના રૂટની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને રૂટનું કામ જૂન 2017 સુધીમાં પૂર્ણ કરવાનું મેગા કંપનીનું લક્ષ્યાંક છે. ઉપરાંત થલતેજથી પણ મેટ્રોની કામગીરી શરૂ કરી દેવાઈ છે.